9 - છંદની આ મોરલીથી સર્પ પકડાશે નહીં / અશરફ ડબાવાલા


છંદની આ મોરલીથી સર્પ પકડાશે નહીં,
વાત પણ સરકી જશે ને અર્થ પકડાશે નહીં.

તું ભલે ઘૂંટ્યા કરે પાટીમાં એના નામને;
લેખણો ખૂટી જશે, પણ મર્મ પકડાશે નહીં.

તું તબીબો જેમ માપે છે હૃદયના ઘાવને;
તું ગમે તે કર, હવે આ દર્દ પકડાશે નહીં.

રાત વેળા ઘરમાં બેસી પોથી તું ઉથલાવ મા;
ચાંદની ને ચાંદનો પણ ફર્ક પકડાશે નહીં.

કોઈ તારા આંકથી ના આંકજે એને કદી;
આસ્થા ઊઠતી જશે ને તર્ક પકડાશે નહીં.

તું મરીને જોઈ લે શું જીવનો આધાર છે;
જીવતા જીવે તને સંદર્ભ પકડાશે નહીં.


0 comments


Leave comment