5 - હોઠથી નામ સરી જાય અને વાત વધે / અશરફ ડબાવાલા


હોઠથી નામ સરી જાય અને વાત વધે,
વાત મનમાં જ રહી જાય અને વાત વધે.

મૌનમાં કોઈ ઢળી જાય અને વાત વધે,
કોઈના શબ્દ ફળી જાય અને વાત વધે.

ઘરથી શમણાંઓ લઈ રોજ ચરણ નીકળતાં,
ચાલતાં રાત પડી જાય અને વાત વધે.

સ્તબ્ધ જંગલ ને બધી બાજુ પવન પર પહેરા;
એમાં એક ડાળ હલી જાય અને વાત વધે.

જીવ ફેલાતો રહે દીપ સમું ઝળહળવા;
શગથી આગળ એ વધી જાય અને વાત વધે.

શૂન્યમાં લીન થતો જાઉં નિરાકાર થવા;
કોઈ આકાર ધરી જાય અને વાત વધે.

સર્વ સંચાર, સકળ સૃષ્ટિ ધરાશાયી બને;
એના પડઘાઓ શમી જાય અને વાત વધે.


0 comments


Leave comment