23 - જળથી ગંગાજળ બન્યાં તે યાદ છે / અશરફ ડબાવાલા
જળથી ગંગાજળ બન્યાં તે યાદ છે,
આપણે સાથે રડ્યાં તે યાદ છે.
ટેરવે સપનાં મઢ્યા તે યાદ છે,
આપને કાગળ લખ્યા તે યાદ છે.
સાંજની ક્યાં છે ગતાગમ એમને;
એમને સૂરજ ઢળ્યા તે યાદ છે.
હું રિસાઈને ગઝલથી જ્યાં ગયો;
કાફિયા સામે મળ્યા તે યાદ છે.
ઓથ મેં લીધી પછી શણગારની;
દર્પણો પાછળ પડ્યાં તે યાદ છે.
એક ડમરી થૈ ક્ષિતિજ પર વિસ્તરી;
કાફલા પાછા વળ્યા તે યાદ છે.
ભીડમાં અશરફજી ખોવાયા હતા;
આંગણાં માંથી જડ્યા તે યાદ છે.
0 comments
Leave comment