42 - કાંટા અંદર સુવાસ ! રહેવા દે / અશરફ ડબાવાલા
કાંટા અંદર સુવાસ ! રહેવા દે,
સ્વપ્નનો આ લિબાસ રહેવા દે.
કોઈ ક્યાંયે નથી છુપાયેલું,
ખાલી ખાલી તપાસ રહેવા દે.
રસ્તે રસ્તે સમેટી લે મનમાં;
ધીમે પગલે વિકાસ રહેવા દે.
પડવા દે ખોરડેથી ચાંદરડું;
ઘરમાં થોડું ઉજાસ રહેવા દે.
તારા મનના વિજયની ખાતર તું –
મારા ધડનો રકાસ રહેવા દે.
શબ્દો પાછળ થયો છો લોલુપ તું;
લોહીમાં આ વિલાસ રહેવા દે.
તારી શ્રધ્ધા લઈને બેઠો છું,
થોડા હોશોહવાસ રહેવા દે.
0 comments
Leave comment