43 - મારું હરદ્વાર એક ઘર સંતો / અશરફ ડબાવાલા


મારું હરદ્વાર એક ઘર સંતો,
મારે કાશી બધાં નગર સંતો.

હોઠ બીડ્યા પછી જ સમજાતું,
શબ્દમાં કેટલી કસર સંતો.

વ્યર્થ જળથી ડરી રહ્યા છો શું ?
મન તો ભીંજાય જળ વગર સંતો.

કોઈ પગલાં નહીં પડી શકશે;
આ છે ફેરો, નથી સફર સંતો.

આપ સદીઓ જગાડવા બેઠાં;
અમને છે સાંજની ફિકર સંતો.

એને જોવું હતું અરીસામાં,
જેને ભવની હતી ખબર સંતો.

જે જે પગથી રહ્યા અલગ તેને
ખાલી લાગી અવરજવર સંતો.

આંખો પાછળ હવે છુપાયા છો;
કોની લાગી હતી નજર સંતો.

મૃત્યુ સાથે જનમ મળ્યો જાણે,
જાસો એક જ, અનેક ડર સંતો.


0 comments


Leave comment