27 - છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં / અશરફ ડબાવાલા
છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં,
હું છું, એ એનાં ભાસનો આધાર છે સ્વયં.
આ શૂન્યતાને શબ્દમાં ઢાળ્યા કરો છો શું ?
એને ઘડી રહ્યા છો જે આકાર છે સ્વયં.
વચમાં છું દ્રિધામાં કે હું કોના તરફ વળું,
એ પાર તારો સાદ ને આ પાર છે સ્વયં.
મનમાંથી મન તો અમને ફંગોળે મનન સુધી,
એને કહોયે શું કે જે સરકાર છે સ્વયં.
અશરફ, તમારા હાથમાં શોભે છે એ કમળ;
જે આખાય સરોવરનો પણ શણગાર છે સ્વયં.
0 comments
Leave comment