4 - એની ઊંચી ડેલી છે ને મારા નીચા ઓટાજી / અશરફ ડબાવાલા
એની ઊંચી ડેલી છે ને મારા નીચા ઓટાજી,
સંબંધોના સરવાળાઓ અંતે પડતા ખોટાજી.
રાખડી રઝળી આવ્યો છું હું ચોરાઓ ને ચૌટાંઓ;
તોય વધ્યા છે મારામાં બેચાર હજી હાકોટાજી.
કાલે પાછા ઠેલાયાં’તાં મારા હાથોના વંદન,
ચરણોમાં આવી ગ્યા આજે પંડિત મોટામોટાજી.
જીવનના ફાનસનો કિસ્સો એમ થયો છે પૂરો લ્યો,
દિવસે ઝળહળ વાટ હતી ને સાંજ ફૂટ્યા પોટાજી.
ફળિયામાંથી ઝાંઝર લઈને ચાલ્યાં ગ્યાં’તાં પગલાં જે,
રસ્તે રસ્તે શોધ્યાં એને, ક્યાંય જડ્યા નહિ જોટાજી.
આખેઆખો જનમ લઈને તરસ અઢેલી બેઠાં’તા;
અંતસમયમાં શું સૂઝ્યું કે જીવ થયા ગલગોટાજી.
એમ જીવી ગ્યા માણસ થઈને પીડાઓના જંગલમાં,
ફૂલ સુકાયું હાથોમાં ને મનમાં ફૂટ્યા કોંટાજી.
0 comments
Leave comment