18 - મનમાં જલસો જામ્યો છે ને સપનાં રાજપાઠમાં / અશરફ ડબાવાલા


મનમાં જલસો જામ્યો છે ને સપનાં રાજપાઠમાં,
તળિયે છે મોતી એવાં કે દરિયા રાજપાઠમાં.

કેમ અમારો સંઘ પહોંચશે માધવ ! તારા દ્વારે;
અડધાં છે અરમાનો એદી, અડધાં રાજપાઠમાં.

હોશ નથી કે શું થ્યું છે પણ કાંક થયું છે ભેદી;
ભ્રમણા ને અચરજની વચ્ચે ઘટના રાજપાઠમાં.

મંજિલ પહોંચી પાછો મારે ઘેર ફરું છું અંતે;
રસ્તે રસ્તે ઉત્સવ છે ને પગલાં રાજપાઠમાં.

હોઠો વચ્ચે વાત હતી બહુ મરમી ને મરજાદી;
અખબારોમાં ચમકી છે તે અફવા રાજપાઠમાં.

તારા હાથોથી ફેંકાઈ એમ અમે પણ જીવ્યા;
ઝાડ થવાની હોંશે જાણે ઠળિયા રાજપાઠમાં.

ખાલી મસ્તીથી ના પામ્યું કોઈ કદી પણ એને;
તારા જેવા કંઈક હતા અશરફિયા રાજપાઠમાં.


0 comments


Leave comment