83 - અરાજકતા / અશરફ ડબાવાલા


આકાંક્ષાઓ અને અપેક્ષાઓથી
ટીપી ટીપીને
જાતને બનાવી નાખી છે
કિંમતી ધાતુ જેવી.
હવે
જાતની સાથે
અંગત જિવાતું નથી,
પણ
જાતને
ઘરેણાની જેમ પહેરીને
બહાર નીકળી શકાય છે.
હૃદયની વાત જ શું કરવી !
ભણીગણીને
છેવટે ખબર પડી છે કે
જેને હું હ્રદય સમજતો હતો
એ તો emotions અનુભવતો
મગજનો જ એક નાનકડો ભાગ છે.
છતાં પણ
તને યાદ કરું છું ત્યારે
હૃદય પર હાથ મુકાય જાય છે.
પરિસ્થિતિ કાચના ટુકડાઓની જેમ
આસપાસ વીખરાયેલી પડી છે.
હું કેલિડોસ્કોપ હોઉં એમ
મને જોયા કરું છું,
આનંદ, વિસામણ, દુઃખ અને હતાશા
એક પછી એક
વમળોની જેમ
કેલિડોસ્કોપમાં ચકરાવા લે છે.
ઈચ્છાની હોડી
બસ ચાલ્યે જ જાય છે.
એને ક્યાંય
લંગારી શકાતી નથી.
અને
હું
અમીબાનો વંશજ
પળેપળ બદલતા
મારા મનના આકારોને જોતો
ઊભો છું
નિ:સહાય
મારા સંકલ્પોની વચ્ચે.


0 comments


Leave comment