2 - નામ તારું રુદ્રાક્ષ પર – પ્રસ્તાવના – સર્જકતાનું મેઘધનુષ / અનિલ જોશી


ગુજરાતી કાવ્યસાહિત્યમાં આપને ત્યાં કવયિત્રીઓની એક પરંપરા છે.પરંતુ મારી દ્રષ્ટીએ સર્જકતાને કોઈ જાતિ હોતી જ નથી. સાચી સર્જકતા હંમેશા અર્ધનારી નટેશ્વર હોય છે. કવિતા એ આત્મન : કળા છે.આત્માની માતૃભાષા છે.ગંગાસતીથી માંડીને મધુમતી મહેતા સુધી જે સંવેદનાની ક્ષિતિજ દેખાય રહી છે એમાં મને ખૂબ રસ પડે છે.આપણે આ સંવેદનાની ક્ષિતિજને ગુજરાતી ભાષા પૂરતી જ સરહદમાં ન બાંધીએ અને વિશ્વસ્તરે સમભાવથી નિહાળીએ તો આ સર્જકતાનું ઇન્દ્રધનુષ જોઈ શકાય. આ સંદર્ભમાં મધુમતી મહેતાની કાવ્યરચનાઓ મેં નાક, કાન, આંખ ને હૃદયપૂર્વક વાંચી છે. મધુમતીની રચનાઓમાં ભાષાબાજીનો ઘોંઘાટ કે ગામગોકીરો નથી. હૈયે જે વાત ઊગી તેને ફૂલ જેમ ફોરમથી ધરી દીધી છે.ગઝલ અને ગીત આ સર્જકને ફાવતા કાવ્યપ્રકરો છે એટલે મોટાભાગની રચનાઓમાં ભાવ બહુ જ સ્વાભાવિક ગતિએ વહે છે. પરંતુ કોઈ કોઈ રચનાઓમાં વ્યંગ બહુ જ ધારદાર બનીને આવે છે. પોતે જે ફિલ કરે છે એને બુદ્ધિના વાઘા પહેરાવ્યા વિના સરળતાથી રજૂ કરે છે. આપણી સભ્યતાને લક્ષ્ય બનાવી મધુમતી એક ગઝલમા લખે છે:

જાત ફરતે સભ્યતાની કાંચળી દેખાય છે,
કોઈ પણ ચહેરો નથી બસ આરસી દેખાય છે.

કંસને સંહારવાનું ક્યાં ગજું છે આપણું?
તોય સહુના હાથમાં કાં વાંસળી દેખાય છે?

આ યુગસંવેદના છે. આપણી કહેવાતી સભ્યતા પર તીવ્ર કટાક્ષ છે. બીજી રીતે કહીએ તો આ સંસ્કૃતિ કે સભ્યતા એ બીજું કાઈ નથી પણ રિસાઇકલ કરેલો ગાર્બેજ છે. મધુમતીનો કવિમિજાજ ઉફરો ચાલે છે. મધુને કોઈ કારણનું વળગણ નથી. ‘કારણ કે’ એણે સાગર બનીને પાણીનો અનુભવ કર્યો છે એટલે નૌકા લઈ જવાનું કોઈ કારણ જ હતું નહીં. દરિયાને નિરખવો અને પાણીને નિરખવું એ બંન્ને વચ્ચે ખૂબ તફાવત છે. કોઈ પણ સર્જકની શબ્દયાત્રા મૂળથી ટગલી ડાળ સુધી હોય છે, પરંતુ કવિકર્મ તો માત્ર ફૂલને અડકવાનું જ હોય, ફળમાં પ્રવેશવાનું ના હોય આ સત્ય મધુ બરાબર જાણે છે. કોઈ થાકીને સૂતેલા સરોવરમાં આકાશ ધૂબકો મારે છતાં એક પણ છાંટો ના ઊડે એ કાંઈ ઓછો ચમત્કાર છે? એક ગઝલમાં મધુએ બહુ જ સરળતાથી અઘરી વાત મૂકી દીધી છે: હું અને શબ્દો છીએ દેવાળિયા,તો ય ઉઘરાણી કરી છે સાક્ષરે. મધુનો કવિમિજાજ ‘નકશા હુકુમ’ નથી, પણ ‘વૃક્ષ ચલે નિજ લીલા’ જેવો છે. કવિના મૂળમાં દેખાડો કર્યા વિનાના આધ્યાત્મિક સંવેદનો ભરપૂર છે પણ ક્યારેક એવું પણ બિન્ધાસ્ત કહી દે કે, વાંસ કે વાંસળીની પળોજણ મુકી, એક શ્રદ્ધાથી સીટી વગાડી તો જો – આ બહુ મોટી વાત છે. વાંસળીનું ‘સીટી’માં મેટાર્ફોસિસ મહેતાજી જ કરી શકે.

અશરફ અને મધુમતી મૂળ અમરેલીના છે એટલે તળપદી ભાષાસંસ્કાર અછતા રહેતા નથી. અશરફ અને અધુમતી બન્ને એકબીજાના બેટરહાફ છે છતાં બન્નેનો કવિમિજાજ બિલકુલ અલગ છે. મધુ એ મધુ છે. અશરફ એ અશરફ છે. મધુની ગઝલોમાં જે નિર્દોષ કેફ છે એનો જ મહિમા છે. મધુ માટે ગઝલ એ આધ્યાત્મિક જ્ઞાનપ્રદર્શન નથી. સંવેદનો બોલકા નથી. મહેતાજીનું આ ઠોઠનિશાળિયાપણું એ જ મોટો કાવ્યગુણ છે. કહેવાનો આશય એટલો જ છે કે આધ્યાત્મિકતાના ઢોલનગારાં ન હોય. સાચો અનુભવ મૂંગાને સ્વપ્ન આવ્યા જેવો જ હોય છે. એક કવિએ બહુ જ સાચું લખ્યું છે કે,

आहिस्ता कीजे बाते, धडकने कोई सुन रहा होगा |
गिर न जाये होठो से | वक्त के हाथ इनको छू लेंगे |
कान रखते है यह दर-ओ-दीवार, राज की बात सुन लेंगे |
और आहिस्ता बात कीजे बात |

મધુની ભવસાગર તરવાની કોઈ જીદ નથી એને તો બસ વહેવું છે… એ દરિયો દરિયો રમવા જાય છે પણ રમત આગળ વધી નહીં એટલે તો માણભટ્ટ ની ગાગર બની જવાયુ. ખરી યાત્રા તો તરવાની છે. અહી મંજિલની કોઈ વાત જ નથી. રસ્તાઓ તો ઘણા હોય છે પણ જ્યાં બધી જ ખ્વાહિશો પૂરી થઈ જાય છે એ જ મંજિલ. આધ્યાત્મિક કવિતામાં નરસિંહ મેહતા કે મીરાંબાઈનો ઉપયોગ એક મોડલ તરીકે કવિએ અહીં કર્યો નથી એનો મને આનંદ છે. આખરે તો બરફના ટુકડાએ પોતાના જ પાણીમાં તરવાનું હોય છે. મધુની વેદના એ છે કે, દ્રશ્યની દીવાલ પાછળ કાંઈ દેખાતું નથી. અહીં દ્રશ્યને દીવાલ તરીકે કલ્પવું એ ગહન અનુભૂતિનો વિષય છે. ‘ભજ ગોપાલમ’ એ સરસ કૃતિ છે. એમાં તાજગી છે. કવિની અનુભૂતિ એક વૃક્ષની છે. મૂળથી તો હું ખરેખર શાંત ને સહુ વાતથી સંતુષ્ટ છું, હું વૃક્ષ છું .આ વૃક્ષ તથાગતની જેમ ખડું થાય છે. અહીં બોધિવૃક્ષની વ્યંજના તરત સ્ફુરે છે. મધુની ગઝલોમાં એક અનોખો રંગ છે. એક વાત નોંધવી જોઈએ કે મધુની ગઝલો એના સમકાલીન શાયરોના પ્રભાવમાંથી મુક્ત રહી છે. આ જ વિશેષતા છે. એક બીજી ગઝલ પણ માનવા જેવી છે.

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી.
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.

આખી ગઝલ સરસ છે. રિયલ અનુભૂતિ કે ઊર્મિધક્કા વગર લખી શકાતું નથી એ વાત ખૂબ સરળતાથી અહીં કહેવાઈ છે. શેર સાંભળો :

શબ્દ બુઠ્ઠા ,અર્થ વાસી, ને કલમ બેજાન છે,
આપણાથી તો ય મૂંગા કેમ રહેવાતું નથી?

આ સાચા સર્જકની મથામણ છે.

મધુમતીના આ કાવ્યસંગ્રહમાં બધી જ રચનાઓ સર્વોતમ છે એમ કહેવાનો મારો કોઈ આશય નથી .જે કંઈ મને ગમ્યું છે એની વાત કરી છે. આ કાવ્યસંગ્રહ દ્વારા મધુએ પોતે જ બહુ મોટી અપેક્ષા ઊભી કરી છે. ભવિષ્યમાં વધુને વધુ સુંદર રચનાઓ મધુની પાસેથી મળવાની છે કોઈ પણ કવિતા કે કલાકૃતિ પાસે જઈએ ત્યારે વાચકે કે ભાવકે સર્જકની ચાલે ચાલવું જોઈએ. સર્જક જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. પછી પોતાની વિવેકબુદ્ધિ મુજબ મૂલ્યાંકન કરવું જોઈએ. એક વાતનો મને બહુ આનંદ છે કે મધુની કવિતાને ફેમેનિઝમનું કોઈ વળગણ નથી. સારી કવિતાની શરૂઆત આનંદથી થાય છે અને એનો અંત ડહાપણથી આવે છે. કવિ પાસે તો માત્ર શબ્દ જ હોય છે. અર્થ તો એના ભાવકો પાસે જ હોય છે. મધુ પાસે પોતાનો એક આગવો આવાજ છે, મિજાજ છે. જે પોતે જ કહે છે:

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-દડો,
હું નદીનું વહેણ છું ઈતિહાસ જેવું કંઈ નથી.

વહી જવું એ પ્રકૃતિ છે મધુની રચનઓમાં વહી જતા શાંત જળની સાદગી અને બંદગીનો અહેસાસ થાય છે. જિંદગીની કથાવ્યથા અટકી અટકીને કેહવી પડે છે.

રમતાં રમતાં થોભું છું ને નીરખું સઘળે,
જાણે હરણું ઘાસ ચરે છે અટકી અટકી.

સુંદર દ્રશ્ય ખડું થાય છે. અહીં ‘અટકી અટકી’ રદીફનો સુંદર વિનિયોગ થયો છે. ગઝલનો આ શેર મને ખૂબ ગમ્યો છે. શેર સાંભળો:

બુઢ્ઢી મા તો જૂની વાતો કરતાં કરતાં,
આજ બની હો એમ કહે છે અટકી અટકી.

અહીં અતીત અને વર્તમાન એકાકાર થઈ ગયા છે. ‘એમ કહ્યું’તું’ રચના પણ એટલી જ આસ્વાદ્ય છે:

ડાબા ગાલે લાફો ખઈને જમણો ધરવો ઈ સાચું પણ,
કાયમ ખાતે ધોલધપાટું ખાતા રે’જો એમ કહ્યું ‘તું?

હળવા મિજાજની આ રચના છે.

મધુમતી મહેતાના આ પ્રથમ કાવ્યસંગ્રહને હું હૃદયપૂર્વક આવકારું છું. કવિની શબ્દયાત્રાની આ શરૂઆત છે. આ શબ્દયાત્રાને શાંત અને અનૂકુળ પવન મળે. ભવિષ્યમાં વધુને વધુ સુંદર કવિતાઓ મધુ પાસેથી મળતી રહે એવી અપેક્ષા એણે પોતે જ ઊભી કરી છે. હું કવિતાનો પ્રોફેસર નથી. વિવેચક નથી. સીધોસાદો કવિતાનો ભાવક છું. અંતમાં ડબ્લ્યુ. એચ. ઑર્ડેન જેવા સમર્થ કવિનું એક વિધાન યાદ આવે છે;’What is a Professor of Poetry ? How can Poetry be professed?’

મુંબઈ, અનિલ જોશી
૭ નવેમ્બર,૨૦૧૨


0 comments


Leave comment