3 - નિવેદન / મધુમતી મહેતા


મને નાનપણમાં વહેલી સવારે ઊઠીને દીવાના અજવાળે રામનામ લખવાની ટેવ હતી. મોટા થતાં એકવાર વિચાર આવ્યો કે જો દુનિયામાં બધા કાગળો ખલાસ થઈ જાય તો હું એ નામ ક્યાં લખું? જવાબ આવ્યો રુદ્રાક્ષ પર.

રુદ્રાક્ષને હું આધ્યત્મનું પ્રતિક માનું છું મારું પ્રિય નામ રુદ્રાક્ષ પર લખી દઈને જાણે હું આખા વિશ્વ સાથે સંકળાઈ જતી હોઉં એવું લાગે છે. આ વિચાર પરથી મને શેર આવ્યો:

એક પણ કાગળ બચ્યો નહિ આખરે,

નામ મેં તારું લખ્યું રુદ્રાક્ષરે.

૧૯૯૬માં આપણા જાણીતા શાયર આદિલ મન્સૂરીના ષષ્ટિપૂર્તિની ઉજવણીરૂપે ન્યુજર્સીમાં ગઝલસમારોહ યોજાયો. એ મારું જિંદગીનું સૌથી પહેલું મુશાયરા-મિલન હતું અને મને એમાં એટલી મજા આવી કે જાણે હું શબ્દોના સ્વર્ગમા વિલસી રહી હોઉં એવું માને લાગ્યું. ઘરે પહોંચ્યા પછી પણ અશરફ સાથેની વાતોમાં મને મુશાયરામાં કેટલી બધી મજા આવી એનો ઉલ્લેખ વારંવાર થતો રહ્યો.અશરફ તો ત્યારે એક ઉતમ ગઝલકાર તરીકે જાણીતો થઈ ચુક્યો હતો. તો અશરફે મને કહ્યું કે તને જો આટલી બધી મજા આવી હોય તો તું પણ લખવાની કોશિશ કેમ નથી કરતી ? અને આ વાતે મને પ્રથમ ગઝલ લખવા પ્રેરી. જ્યારે અશરફે અને આદિલ સાહેબે આ ગઝલ સાંભળી ત્યારે મને વધુ લખવા માટે ખૂબ પ્રોત્સાહિત કરી. આદિલ સાહેબ એક બહુ મોટા ગજાના ગઝલ કૅલીફોર્નીયામાં સંભળાવવાનું પણ બન્યું.આ રીતે મારી ગઝલ યાત્રા શરુ થઇ.

મારી ગઝલ લખવાની પ્રેરણા મુખ્યત્વે અશરફ છે.આ ગઝલો મોટા ભાગે આજુબાજુ બનતી ઘટનાઓમાંથી, તબીબી વ્યવસાય અને તેમાંથી ઉપજતી સંવેદનામાંથી તેમજ આધ્યાત્મિક અનુસંધાનમાંથી આવે છે. એક ભાવ શબ્દનું રૂપ ધારણા કરે અને પછી એ શબ્દનું મેટામોફોર્સિસ થાય કવિતાની પતંગમાં. આ પતંગને આકાશમાં ચગતી જોવી અને દેખાડવી ગમે.

અશરાફ મારો પ્રથમ શ્રોતા, ભાવક અને વિવેચક રહ્યો છે. અશરફ એક ઉતમ ગઝલકાર જ નથી,એ કડવો ક્રિટિક પણ છે.એના હાથમાં એક ત્રાજવું હોય છે, જેના એક પલ્લામાં ભાવના અને બીજા પલ્લામાં લૉજિક હોય છે અને એ બંન્ને પલ્લાનું સમતોલન જાળવી રાખવાની એનામાં અદ્દભુત આવડત છે. નબળું એ કંઈ પણ સાંખી શકતો નથી એટલે જ એ મારી પ્રગતિનું બળ બની રહે છે.એની ‘હા’ અને ‘ના’ માં મેં ઊંડો વિશ્વાસ મુક્યો છે. જોકે એનો અર્થ એ નથી કે હું એની બધી વાતે સહમત હોઉં. એની વડ જેવી પ્રતિભા સાથે મેં નાજુક છતાં પોતાનું અસ્તિત્વ ધરાવતી વેલનું સ્વાતંત્ર્ય અનુભવ્યું છે.

ગીતો લખવા પાછળ મારી અંતયાર્ત્રા, મારી મને ઓળખવાની ઝંખના અને વિશ્વચૈતન્ય અને સાથે ઐક્ય અનુભવવાની અદમ્ય ઈચ્છા મુખ્ય ભાગ ભજવે છે.એમાં સાંપડતી નિરાશા ‘ના કેદ છતાં હું કેદી’ જેવી રચના લખવા પ્રેરે છે,તો એની ગઝલ જેવું કશુંક અનુભવાય ત્યારે ‘એની સરહદમાં ડેરો નંખાઈ ગયો રે’

જેવી પ્રતીતિ થાય છે. ક્યારેક લાગે છે કે કોઈ અદ્રશ્ય તત્વ આશીર્વાદ બની ઊતરી આવે છે અને કંઈક લખાવી જાય છે.

મારી કવિતા ટાણું-કટાણું જોતી નથી. બિન્દાસ્ત છે. ગમે ત્યારે આવી જાય છે. મોટે ભાગે એક બેઠકે જ પૂરી થાય છે.

આ ઉપરાંત મને હંમેશા ઘરમાં લખવાનું વાતાવરણ મળી રહે છે.મારી દુનિયા ભાવનાની,રંગોની ફૂલોની મહેકની અને આનંદની દુનિયા છે.એ દુનિયામાં જ્યારે કોઈ ખાસ શબ્દ ઉમેરાય છે ત્યારે ગીત –ગઝલનું સર્જન થાય છે.મારો એમાં ખાસ કંઈ કહેવાનો કે સંદેશ આપવાનો આશય નથી કે નથી કે મારે કોઈ ઉપદેશ દેવાનો.મારી ભાવના જ્યારે શબ્દના વાઘા પહેરી લોકો સુધી પહોંચે છે,એમની લાગણીઓને ઢંઢોળે છે અને એક તરલતામાં ખેંચી જાય છે ત્યારે એ ભાવના નવા સ્વરૂપે અવતરતી લાગે છે અને સર્જનનો આનંદ અનેકગણો વધી જાય છે.

મારો આ પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની પ્રેરણારૂપ સ્વ.શ્રી સુરેશભાઈ દલાલ તથા કવિ શ્રી અનિલભાઈ જોશીએ જો સતત સંગ્રહ માંગણી ન કરી હોત તો આ સંગ્રહ હજુ પણ બહાર ન પડ્યો હોત.સુરેશભાઈની હાજરીમાં આ સંગ્રહ પ્રગટ ન થઈ શકવાનો મને રંજ છે. અનિલભાઈ જોશીએ ખાસ સમય કાઢી, ખૂબ દીલચસ્પીથી મારી કવિતાઓ વાંચી અને એના વિશે પ્રસ્તાવના લખી એ મારું સૌભાગ્ય છે.આ પ્રસંગ મારે એક બીજી વ્યક્તિનો પણ અંત:કરણપૂર્વક આભાર માનવાનો છે અને એ છે વડીલ શ્રી મધુસૂદનભાઈ કાપડિયા.પોતાની નાદુરસ્ત તબિયતની દરકાર કર્યા વગર, ખુબ રાજીપા સાથે, બહુ જ ટૂંક સમયમાં મુદ્રણદોષો તથા જોડણીદોષ નષ્ટ કરવામાં સહાય કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.આ સાથે આ સંગ્રહમાં મૂકેલા કેટલાક ફોટોગ્રાફ્સ તાબડતોબ લઈને આપવા બદલ અમારા મિત્ર તથા ઍસોસિયેટ ડૉ.આશિષભાઈ પટેલનો હું ખરા દિલપૂર્વક આભાર માનું છું.

મારો આ સંગ્રહ ટૂંક સમયમાં,મારી માગણી અનુસાર, સુંદર રીતે પ્રકાશિત કરવા બદલ હું ઉત્પલભાઈ ભાયાણી, અપૂર્વ આશર, હિતેન આનંદપરા અને ઈમેજ પબ્લિકેશનના અન્ય સભ્યોનો હાર્દિક આભાર માનું છું.

શિકાગો
મધુમતી મહેતા


0 comments


Leave comment