46 - રાજાને રેશમ દીધાં જોગીજીને જાપ / મધુમતી મહેતા


રાજાને રેશમ દીધાં જોગીજીને જાપ,
સૌના વાઘા વેતર્યા લઈ બરોબર માપ.

માપ માપતા માપીયા સત અસતના પંથ,
ટૂંકા માર્ગ અસત્યના સતના હોય અનંત.

અનંત સોહે મધ્યમાં ,ફરતાં અઢળક તંત,
તંત મહી જંતુ ફસે, અનંત જાણે સંત.

સંત સુરા-સરવર, અમે જનમ ગંવાયા રોય,
જ્યાં પીધી પ્યાલી ભરી નશા જનમભર હોય.

હોય ભલે શણગારિયું તેં માટીનું પોતે,
માટી મોતી ના મળે મધદરિયે તું ગોત.

ગોતાગોત ગમાણમાં ગદર્ભ મળિયા સાત,
લાતાંલાત કરે દિને, ભૂંકે આખી રાત.

રાત રડે છે રાનમાં ભડભડ બળતી આગ,
સાત ચડતું ચિતા ઉપર ગાઓ રાગ મલ્હાર.


0 comments


Leave comment