29 - ગણીને બે કે બહુ બહુ તો વળી ત્રણ ચાર આપે છે / મધુમતી મહેતા


ગણીને બે કે બહુ બહુ તો વળી ત્રણ ચાર આપે છે,
મિલનની દઈ ક્ષણો થોડી લપસણી ઢાળ આપે છે.

નજર ને નેજવાં વચ્ચે કદી થઈ જાય એ સમણું,
પ્રતીક્ષા જિંદગીભર ને ઝલક પળવાર આપે છે.

કદી એ મોકલે છે ત્રાસવાદી તર્કનાં ટોળાં,
સિતમગર લાગણીઓની વળી સરકાર આપે છે.

અહિંસક મૌનનું આપે મને ફાટ્યુંતૂટ્યું બખ્તર,
બધાંને તીક્ષ્ણ શબ્દોનાં પછી હથિયાર આપે છે.

કરે છે પાયમાલી સાવ લૂંટી જાય ભીતરથી,
ફકીરી હાલ આપીને પછી દરબાર આપે છે.

સવાલોના જવાબો આપવાની પણ કળા કેવી !
ખબર પૂછું છું ત્યારે હાથમાં અખબાર આપે છે.

પલળવું હોય જેને એને તો છાંટો નહીં આપે,
ને છત્રી રાખનારાને સતત વરસાદ આપે છે.


0 comments


Leave comment