28 - શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું અને હું / મધુમતી મહેતા


શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું અને હું,
તેજની તનહાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

કંટકોના રાજ્ય છે ને શૂળના ત્યાં કાયદાઓ,
ફૂલની રુસવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

વાત લઈને વાયરાઓ વાય છે ચારે દિશામાં,
વાતની વડવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

ના મળ્યાં પળની પછીતે કે પ્રલયના અંધકારે,
પ્રેમની પરછાંઈમાથી નીકળ્યાં છે તું અને હું.

જ્યાં નથી પડઘો કે પડછાયો કે ભણકારો હવામાં,
સ્તબ્ધતાની ખાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

આજ કિસા ગૌતામીની શોધ પૂરી થઈ ગઈ છે,
એક ચપટી રાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.


0 comments


Leave comment