42 - ડેલી સુધી પહોંચીને ગયા’તા એમ કહો ને / મધુમતી મહેતા


ડેલી સુધી પહોંચીને ગયા’તા એમ કહો ને,
સાંકળ ઝાલી અટકી ગયા’તા એમ કહો ને.

આજે ખુરશી માથે છો પણ કાલ અચાનક,
છીંડું પાડી છટકી ગયા’તા એમ કહો ને.

નામેરી થૈ, રદબાતલ થ્યા, તે થાવ જ ને!
વાંધા લઈને વટકી ગયા’તા એમ કહો ને.

ખુલ્લી આંખે સપનાં જોયાં કારણ એનું,
હાચી વાતે ફફડી ગયા’તા એમ કહો ને.

ગઢની રાંગે ઝંડા ખોડયા તોપું ફોડી,
પણ અંદરથી ખખડી ગયા’તા એમ કહો ને.

જેકાર ને દેકાર થ્યા કોઈના નામે,
ત્યારે કેવા ભડકી ગયા’તા એમ કહો ને.

ગઝલું લખવાનાં ગલગલિયાં કોને નહોતાં,
મહેતા સિક્કે વટલી ગયા’તા એમ કહો ને.


0 comments


Leave comment