1 - એ વરસાદ થઈ ભીંજવે છે મને / મધુમતી મહેતા


એ વરસાદ થઈ ભીંજવે છે મને,
જે છત્રી સ્વરૂપે સ્મરે છે મને.

બધા સગપણો સાળમાં ગોઠવી,
કબીરી કસબથી વણે છે મને.

લડે છે સતત એક ઝંઝા બની,
બુઝાઉં તો દીવો ગણે છે મને.

અરે જાળમાં કંઈક આવી ગયું,
ફસાઈને આ શું છળે છે મને.

હવે શિષ્ય કે ના ગુરુ જોઈએ,
કે પડછાયો મારો નમે છે મને.

મધુજી તમે આંખ ખોલો જરા,
સકળ સૃષ્ટિ ઝળહળ કરે છે મને.


0 comments


Leave comment