79 - મોઢે કરચલી દેખા દીધી ને હું ભડકી / મધુમતી મહેતા


મોઢે કરચલી દેખા દીધી ને હું ભડકી,
ધીરે ધીરેક મેં તો પંપાળ્યા ગાલ પછી,
આયનાને લીધું મેં અડકી.

વેગીલી સાંઢણીના રૂડા અસવાર,
તમે ધીરા પડીને વાત કરજો;
નાનીશી ઠેશ અને લાંબા છે ખાટલા,
ને લાંબી રાતુંને યાદ કરજો;
બાટલા ને ખાટલા ને ખિદમતમાં ખાલીપો,
અંધારાં આંખે ગ્યાં અટકી.
મોઢે કરચલી દેખા દીધી ને હું ભડકી.

કૂણી કરચલીને ક્રીમમાં ઢબૂરી,
ને મેકઅપની દીધી છે આણ;
નજરુંને સાબદી કીધી ને કોને છે
મોતિયા ઉતાર્યાની જાણ;
ડાળના બટકવાની તૂટેલી ચીસ સાલી,
થઈને ધજાગરો ફરકી.
મોઢે કરચલી દેખા દીધી ને હું ભડકી.


0 comments


Leave comment