25 - સૂરજથી સંતાય અમસ્તું / મધુમતી મહેતા


સૂરજથી સંતાય અમસ્તું,
અંધારું ગભરાય અમસ્તું.

પરપોટાનો સ્વાંગ સજીને,
પાણી ફૂટી જાય અમસ્તું.

ખરી ગયાં પીંછા પંખીનાં,
નભ આંખે વીંઝાય અમસ્તું.

હાથોની રેખાઓ પાછળ,
નસીબ ઝોંકુ ખાય અમસ્તું.

કિરણની તાપણીએ બેસી,
ઝાકળ ગીતો ગાય અમસ્તું.

નામ હતું જે સાવ અજાણ્યું,
પહોંચ્યું ક્યાંનું ક્યાંય અમસ્તું.


0 comments


Leave comment