63 - હાર નહીં માનું હો હરજી હાર નહીં માનું / મધુમતી મહેતા


હાર નહીં માનું હો હરજી હાર નહીં માનું,
છડેચોક મળશું કે મળશું સપનાંમાં છાનું,
હરજી હાર નહીં માનું.

નહીં શોધીએ વૃન્દાવનમાં,
નહીં જમનાનાં જળમાં;
વળગણ, વાટ વળોટી જાશું,
સઘળું છોડી પળમાં;
ત્રિકમજી પર ત્રાટક કરશું,
ભલેને વયે વ્હાણું,
હરજી હાર નહીં માનું.

કહો તમે તો પંડ પીગળીએ,
કહો હિમાળા ગળીએ;
કહો તમારે આંગણ ચપટી,
ધૂળ થઈને મળીએ;
ગલ્લાંતલ્લાં ના કરશો,
અબઘડીએ દો સરનામું.
હરજી હાર નહીં માનું.

નરસી તુલસી કબીર નાનક,
સૌને કરશું ભેળા;
અલખનિરંજન ભજશું,
ભરશું મનમંદિરમાં મેળા;
અઢળક અઢળક તમે આવશો,
ના જોશો કોઈ ટાણું.
હરજી હાર નહીં માનું.


0 comments


Leave comment