74 - વાંસવનમાં વસંતની હેલી કે સાહ્યબો રાજી રાજી / મધુમતી મહેતા


વાંસવનમાં વસંતની હેલી કે સાહ્યબો રાજી રાજી,
એક ટહુકો ઉઘાડે મારી ડેલી રે સાહ્યબો રાજી રાજી.

એક વાછટ ઊડી રે રંગઘેલી કે સાહ્યબો રાજી રાજી,
ઓછા ઓછા થઈ ઓરતાએ ઝીલી કે સાહ્યબો રાજી રાજી.

કોણે ફોડયાં એકાંતનાં મટકાં કે સાહ્યબો રાજી રાજી,
લાગ્યા લાગ્યા રે રંગના ચટકા કે સાહ્યબો રાજી રાજી.

રંગપાંચમ ને સાત રંગ ઘોળ્યા કે સાહ્યબો રાજી રાજી,
માથાબોળે રે અમ્મને ઝબોળ્યા કે સાહ્યબો રાજી રાજી.

ખેલ ખેલે રે ખોળિયાના વાસી કે સાહ્યબો રાજી રાજી,
રંગમહેલે દેખાય મને કાશી કે સાહ્યબો રાજી રાજી.


0 comments


Leave comment