57 - પ્યાસ વગર શું કરીએ સંતો પ્યાસ વગર શું કરીએ ? / મધુમતી મહેતા


પ્યાસ વગર શું કરીએ સંતો પ્યાસ વગર શું કરીએ ?
ફૂલડાં સરખી કાય લઈ સુવાસ વગર શું કરીએ ?
સંતો પ્યાસ વગર શું કરીએ ?

ગુરુ બની લઈ અડસઠ ચેલા ભટક્યા ગામગમાણે,
બળતાં ઘર છોડી દોડ્યા જો લાગી આગ મહાણે;
સંઘ પહોંચશે કાશી પણ ઉલ્લાસ વગર શું કરીએ?
સંતો પ્યાસ વગર શું કરીએ ?

તમે ધધકતા રણમાં બેઠા વીરડા ગાળી સાત,
તમને એમ અમે આવીશું તરસ્યા અડધી રાત;
અમે બિચારા પાણીના અહેસાસ વગર શું કરીએ ?
સંતો પ્યાસ વગર શું કરીએ ?


0 comments


Leave comment