10 - પગ પગેરાં દાદરા જાણી લીધાં / મધુમતી મહેતા


પગ પગેરાં દાદરા જાણી લીધાં,
થોભવાના કાયદા જાણી લીધાં.

એ રહે અકબંધ કે તૂટે ભલે,
મેં જગતના આયના જાણી લીધાં.

પાંદડાં ગણવાનાં જ્યાં છોડી દીધાં,
કે તરત મેં છાંયડા જાણી લીધાં.

બંધ દ્વારે દઈ ટકોરો એમણે,
ભીંત ભોગળ બારણાં જાણી લીધાં.

હું તબીબોથી હણાયો એટલો,
મેં મરણના ફાયદા જાણી લીધાં.

બેસશું વાળી પલાંઠી આંગણે,
કુંભમેળા ડાયરા જાણી લીધાં.

સર્વ આકારો તજીને છેવટે,
તાપ ભઠ્ઠી ચાકડા જાણી લીધાં.


0 comments


Leave comment