51 - આપો તો આપો રે અમને નાવડી / મધુમતી મહેતા


આપો તો આપો રે અમને નાવડી,
આપો આપો દરિયાલાલ;
ડૂબ્યાં તો મઝધારે તળિયાં તાગશું,
તર્યા તો ઊતરશું ભવપાર.
આપો તો આપો રે એક નાવડી......

આપો તો આપો રે એક સાંઢણી,
આપો માથે માઝમરાત;
ઝાંખે રે અજવાળે જાશું પાંસરા,
જાવું એને રે દરબાર.
આપો તો આપો રે એક સાંઢણી....

આપો તો આપો રે લેખણ લાકડી,
માથે સરસતીના હાથ;
લોહીને ટશિયે રે લખવાં નોતરાં,
ઈ ને દેશું હાથોહાથ.
આપો તો આપો રે લેખણ લાકડી....

આપો તો આપો રે કેડી સાંકડી,
આપો ડુંગરાની ધાર;
પીગળતે પંડ્યે રે પગલાં માંડશું,
ના ક્યાંય પહોંચ્યાની દરકાર.
આપો તો આપો રે કેડી સાંકડી....


0 comments


Leave comment