67 - સાધો સુણો અમારી પીડ / મધુમતી મહેતા


સાધો સુણો અમારી પીડ,
વણવાવ્યા જો ઊગી નીકળિયા તો કહેવાણા વીડ.
સાધો સુણો અમારી પીડ.

ધરમકરમ લઈ ધાડ પાડવા ઊભરાણાં છે ટોળાં,
કૌતુક જોવા અમેય થઈ ગ્યા ગાડરિયાંની ભેળા;
મૂંગીમંતર મૂર્તિ ફરતે હતી આંધળી ભીડ.
વણવાવ્યા જો ઊગી નીકળિયા તો કહેવાણા વીડ.

કોઈ છે મનથી માગણ તો કોઈ માગણવેશે,
ઝોળી છે સૌના કરમાં એ દઈને પાછું લેશે;
અબોટિયાં છે તન પર મનમાં એકમેકથી ચીડ.
વણવાવ્યા જો ઊગી નીકળિયા તો કહેવાણા વીડ.

કંઠી બાંધી થયા ચેલકા ને મૂંડાવી મતિ,
ડહાપણની ચિતા ખડકીને મતિ થઈ ગઈ સતી;
હરણાંને એ હાંફ ગણે ને તરણાં ને એ તીડ.
વણવાવ્યા જો ઊગી નીકળિયા તો કહેવાણા વીડ.

દેખ્ય દાઝ્યું બોલ્યે બગડ્યું આપણ એવું કામ,
વાંઢા વરની વગોવણીમાં અમે વગોવ્યું ગામ;
ભલી અમારી પાંખ ભીડેલી ભલા અમારાં નીડ,
વણવાવ્યા જો ઊગી નીકળિયા તો કહેવાણા વીડ.
સાધો સુણો અમારી પીડ.


0 comments


Leave comment