23 - સાવ વળગી પડે ગામ એવાં મળે / મધુમતી મહેતા


સાવ વળગી પડે ગામ એવાં મળે,
કામ લાગે નહીં કામ એવાં મળે.

ક્યાંક પર્ણો ફૂટે ક્યાંક ડાળી હલે,
ક્યાંક રણમાં કદી ધામ એવાં મળે.

હોય વનમાં છતાં મસ્તકે પિચ્છ હો,
શ્યામના વેશમાં રામ એવાં મળે.

જિંદગીનો ઝુરાપો બધો ઓગળે,
ને કસુંબો બને જામ એવાં મળે.

ખાનગી નોંધપોથીમાં સૌ સાચવે,
આજ મ્હેતાને પણ નામ એવાં મળે.


0 comments


Leave comment