43 - અહીંયા બેસી મારી વાટ્યું જોતા રે’જો એમ કહ્યું’તું / મધુમતી મહેતા


અહીંયા બેસી મારી વાટ્યું જોતા રે’જો એમ કહ્યું’તું,
ચારે જઈને હૌની પીંજણ કરતાં રે’જો એમ કહ્યું’તું ?

ડાબા ગાલે લાફો ખઈને જમણો ધરવો ઈ સાચું પણ,
કાયમ ખાતે ધોલધપાટું ખાતા રે’જો એમ કહ્યું’તું ?

ડાઘાડૂઘી તનમન કે કપડાં પર પડવા દેતા નહિ પણ,
ધોબીઘાટે મેલાં લૂગડાં ધોતા રે’જો એમ કહ્યું’તું ?

મંદિરમાં ભૈ દુહા ભજનો ગઈએ એમાં ક્યાં વાંધો છે?
પટિયાં પાડી ફિલ્મી ગાણાં ગાતા રે’જો એમ કહ્યું’તું ?

પૈ પૈસો ધર્માદે નાખો તે નાખોને ક્યાં બંધી છે?
દાતાના દીકરા થઈ હંધુંય ખોતા રે’જો એમ કહ્યું’તું ?

એમ હતું કે આજ નહીં તો કાલે પણ બે પૈસે થાશું,
આમ જ પૂરો ભવ મે’તાના મેં’તા રે’જો એમ કહ્યું’તું ?


0 comments


Leave comment