44 - નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું? / મધુમતી મહેતા


નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું?
એમ જ તો આ જીવનગાડું ગબડ્યું છે તો ગબડ્યું છે તો શું કરવાનું?

આંબાડાળે કોયલ બોલે મેના બોલે ભમરા ડોલે મનડાં મોહે,
આજે અમથું એક કબૂતર ફફડ્યું છે તો ફફડ્યું છે તો શું કરવાનું?

વાતે વાતે ગાણાં ગાયાં રમતાં ગાયાં જમતાં ગાયાં એમ જ ગાયાં,
ગાતા’તાં ને ટપ દઈ આંસુ ટપક્યું છે તો ટપક્યું છે તો શું કરવાનું?

ખાંખાંખોળા ખૂબ જ કીધાં અહીંયા જોયું ત્યાં પણ જોયું ક્યાંય મળ્યું ના,
સુખની પાછળ મન તો ભઈલા ભટક્યું છે તો ભટક્યું છે તો શું કરવાનું ?

આખ્ખા ગામ વચાળે બેઠું પાણીમાં ને વાગ્યું નહીં ને આજે જંતર,
ખાલી ખૂણે ઠાલું ઠાલું રણક્યું છે તો રણક્યું છે તો શું કરવાનું ?

જીવ અમારો સાવ જ સુક્કા દિવસો સાથે વરસો સાથે માંડ હળ્યો ત્યાં,
કોઈ સુંવાળી યાદી લઈને અડક્યું છે તો અડક્યું છે તો શું કરવાનું ?

પાછળ વાગે ઢોલ નગારાં ને સામે મુરલીની માયા તો અવઢવમાં.
મહેતાનું મન લીંબો થઈને લટક્યું છે તો લટક્યું છે તો શું કરવાનું ?


0 comments


Leave comment