34 - મૂળથી તો હું ખરેખર શાંત ને સહુ વાતથી સંતુષ્ટ છું, હું વૃક્ષ છું / મધુમતી મહેતા


મૂળથી તો હું ખરેખર શાંત ને સહુ વાતથી સંતુષ્ટ છું, હું વૃક્ષ છું,
ને પવન તડકો અને વરસાદ પી ને કેફમાં હું મસ્ત છું, હું વૃક્ષ છું.

લાડકું છું હું અને વસંતોનું મને શણગારવા હર સાલ એ આવે અને
પાનખરમાં એક નાના બાળ જેવું સાવ હું નિર્વસ્ત્ર છું, હું વૃક્ષ છું.

હું બની ધબકાર ધરતીનો ઝીલું છું સ્પંદનો હર ડાળ ને હર પાનમાં,
તો વળી માળે સૂતેલાં પંખીને હીંચોળવામાં વ્યસ્ત છું, હું વૃક્ષ છું.

હું પ્રવાસીનો વિસામો, બાળકોની આંબલીપીપળી રમતની હું જગા,
કોઈ આવી સાવ લીલી ડાળ કાપી જાય તો યે સ્વસ્થ છું, હું વૃક્ષ છું.

કોઈ દિ’ તારા તું તડકાછાંયડા ભૂલીને મારી પાસ આવી જોઈ લે,
તો ખબર પડશે તથાગત જેમ હું હર હાલ સ્થિતપ્રજ્ઞ છું, હું વૃક્ષ છું.


0 comments


Leave comment