38 - ઠગ જેવાં અરમાન મળે ના જો જો હોં કે / મધુમતી મહેતા


ઠગ જેવાં અરમાન મળે ના જો જો હોં કે,
અધવચાળે ક્યાંક લૂંટે ના જો જો હોં કે.

વીજળીને અમથી ગુસ્સામાં જોઈ પેલી,
વાદળીઓ માસૂમ રડે ના જો જો હોં કે.

બાળક ઝરણાં મોટી નદિયું થાતાં પહેલાં,
રણને રસ્તે ક્યાંક ચડે ના જો જો હોં કે.

પૂર્યા ભૈરવ ગાવામાં કે સાંભળવામાં,
અંદરનો સૂર બંધ પડે ના જો જો હોં કે.

સ્વપ્નો આવ્યાં હાલત માથે હલ્લો કરવાં,
આપસમાં રમખાણ કરે ના જો જો હોં કે.

મ્હેતા તો કાંટાળા પંથકના જ પ્રવાસી,
લવકારાથી ક્યાંક ડરે ના જો જો હોં કે.


0 comments


Leave comment