26 - કાળ કરમનું દાંતાળું આ ચક્કર છે ભાઈ ચક્કર છે / મધુમતી મહેતા


કાળ કરમનું દાંતાળું આ ચક્કર છે ભાઈ ચક્કર છે,
ધ્યાન ધરમનું બુઠ્ઠું બટક્યું જંતર છે ભાઈ જંતર છે.

અંતરમાંથી એમ ઉખેડી ફેંકી દઈએ અડધી રાત,
ઈશ્વર માની બેઠા એ તો પથ્થર છે ભાઈ પથ્થર છે.

એમ લૂંટાવ્યા ધન દોલત જીવનના રૂડા અવસરિયે,
શેઠ અમારો શામળશા બહુ સધ્ધર છે ભાઈ સધ્ધર છે.

એને મન આખી દુનિયા છે એક રૂપેરી ચાંદરણું,
જેને માથે આભ સમાણું છત્તર છે ભાઈ છત્તર છે.

ચાલ ચલે હાથીની, હરણાની કે સાપ, ગરોળીની,
બાજીગર છે સમય અને રૂપ સત્તર છે ભાઈ સત્તર છે.

આજ કૂદ્યાં રણમાં સૌ લઈને ખુલ્લી તાતી તલવારો,
માર્યો છે તે શેર નથી એ મચ્છર છે ભાઈ મચ્છર છે.

બખ્તર પહેરી બેઠા બંદા આંખો ને કાનો ખોલી,
નથી ગતાગમ એને શત્રુ અંદર છે ભાઈ અંદર છે.


0 comments


Leave comment