60 - મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને / મધુમતી મહેતા


મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને.
મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય કે રામ તમે આવો ને.

મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,
મારી ફરતે અજંપાની વાડ કે રામ તમે આવો ને.

મારી છાતીમાં નોધારી ચીસ કે રામ તમે આવોને,
મેં તો સાચવીને રાખી છે રીસ કે રામ તમે આવો ને.

મારી આંખે ઉજાગરાનું જાળું કે રામ તમે આવો ને,
હું તો આવ્યાના ભણકારા પાળું કે રામ તમે આવો ને.

છેડો આતમમાં મલ્હારી રાગ કે રામ તમે આવો ને,
મારા ઈંધણમાં ચાંપોને આગ કે રામ તમે આવો ને.

હવે જીવતર આ જૂના કથીર કે રામ તમે આવો ને,
મારી અંદરથી ખોવાણા પીર કે રામ હવે આવો ને.


0 comments


Leave comment