53 - એકતારો તૂટેલો સંધાઈ ગયો રે / મધુમતી મહેતા


એકતારો તૂટેલો સંધાઈ ગયો રે,
મારો સાંવરિયો એમાં બંધાઈ ગયો રે;
મેં તો ભૂલી સૌ કામ જરા લીધું એનું નામ,
એને સરનામે રસ્તો વંકાઈ ગયો રે.
મારો સાંવરિયો એમાં બંધાઈ ગયો રે...

ફેરફૂદડી ફરું કે સાવ ઊભી રહું,
ગીત ગાયા કરું કે સાવ મૂંગી રહું;
એ કહે તો ઊભરાઉં એ કહે તો વીખરાઉં,
એનો અણસારો આંખે અંજાઈ ગયો રે.
મારો સાંવરિયો એમાં બંધાઈ ગયો રે...

મેં તો વણજારી વાઘા ફગાવી દીધા,
ઊંટ ઘોડા વછેરા ભગાડી દીધા;
હવે રખડું આ રામ થાય ઠરી ઠરી ઠામ,
એની સરહદમાં ડેરો નંખાઈ ગયો રે.
મારો સાંવરિયો એમાં બંધાઈ ગયો રે...


0 comments


Leave comment