14 - છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં / મધુમતી મહેતા


છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં,
હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં.

ફૂલ જો રાખો બિછાવી તો વળી આવી જશું,
ઠોકરો ખાતાં સિસકવાનું મને ફાવે નહીં.

હું સતત પહેરું મને ગમતા ભરમનો અંચળો,
મોસમોની જેમ ફરવાનું મને ફાવે નહીં.

હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું,
પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં.

માતૃભાષાને કરું વંદન ગઝલ ને ગીતથી,
બોલી બોલીને વિરમવાનું મને ફાવે નહીં.


0 comments


Leave comment