71 - રામોક્તિ / મધુમતી મહેતા

તસવીરો તસબીથી નીકળી,
તારીખિયેથી પત્તું થઈને ખરવું છે,
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

રાજપાટ છોડી, દોડીને
વનમાં વસતી વલવલતી ઝૂરતી સીતાને;
એક સામટું મળવું છે.
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

આંખે ઉજાગરા લઈ ફરતી,
છાબે એઠાં બોરાં ભરતી;
પ્રેમભરી શબરીને ભેટી,
હાથોમાં હાથો લઈ કહેશું;
ગરમ ગરમ કંઈ જમવું છે ?
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

નાવિક હોડીમાં બેસાડો,
સામે પાર જરા પહોંચાડો;
સદીઓની છાતી પર કોઈ અહલ્યા સમું,
પથ્થર થઈને રાહ જુએ છે એને મારે;
લાચારીનું અશ્રુબિંદુ જઈ ધરવું છે.
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

રામ અને રાવણને સાંધે,
પથ્થર ઉપર ‘રામ’ લખીને;
વાનર જળમાં સેતુ બાંધે,
સમદરજળને તરી જતા એ એક એક;
પથ્થરમાં વસતા દિવ્ય તત્વને પૂજવું છે.
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

લક્ષ્મણ, ભરત અને કૈકેયી,
દશરથ, દાસી મંથરા કોઈ;
રાવણ, કુંભકર્ણ, જટાયુ,
મહાબલી હનુમાન કૃપાલુ;
રંગભૂમિનાં સૌ પાત્રોની સાથે મારે,
મિત્રભાવથી હસ્તધૂનન જઈ કરવું છે.
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

અશ્વમેઘનો ઘોડો વાળો,
લવકુશને આંગણ તેડાવો;
યજ્ઞમંડપે ધરા સમીપે માર્ગ માગતી,
સતી સીતાનું અબઘડીએ;
સન્માન અમારે કરવું છે.
માણસ થઈને જીવવું મારે માણસ થઈને જીવવું છે.

0 comments

Leave comment