2 - જે હતું મારું જ ઘર એમાં પ્રવેશી ના શક્યો / મધુમતી મહેતા


જે હતું મારું જ ઘર એમાં પ્રવેશી ના શક્યો,
મત્સ્ય છું ને તોય હું જળમાં પ્રવેશી ના શક્યો.

જાતરા મારી હતી મૂળથી તે ટગલી ડાળ લગ,
ફૂલને અડકી લીધું ફળમાં પ્રવેશી ના શક્યો,

હું મને જાણી ચૂક્યો છું લોહી ને મજ્જા સુધી,
જાણે કે સમજણ થકી તળમાં પ્રવેશી ના શક્યો.

વરતા લખતો રહ્યો છું ઝાંઝવાં ને જળ તણી,
બુંદ થઈ ક્યારેય વાદળમાં પ્રવેશી ના શક્યો.

જે સકળમાં છે અકળ એનો અહેસાસ છે,
એ જ કારણથી હવે છળમાં પ્રવેશી ના શક્યો.


0 comments


Leave comment