49 - સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપલમ્ / મધુમતી મહેતા


સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપલમ્,
રામ ભજો યા બાળો રાવણ ભજ ગોપાલમ્.

છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્,
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્.

ડગલેપગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્,
સમજ અધૂરી શીખ સવામણે ભજ ગોપાલમ્.

બે માંણા ત્યાં ખખડે વાસણ ભજ ગોપાલમ્,
બુઢ્ઢો ખાંસી ખાય અકારણ ભજ ગોપાલમ્.

ફુટ્ટલ ગોળે હોય ન ઢાંકણ ભજ ગોપાલમ્,
બ્હેરાને લ્યો દીધી શિખામણ ભજ ગોપાલમ્.

કુબ્જા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ્,
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ્.

સો ઉંદરનું કરી શિરામણ ભજ ગોપાલમ્,
બિલ્લી શું પઢશે રામાયણ ભજ ગોપાલમ્.

નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ્,
કહત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ્.

ટાઢે ચૂલે ઊકળે આંધણ ? ભજ ગોપાલમ્,
એવું ભગા ભગતનું ડહાપણ ભજ ગોપાલમ્.

હાથ ન ધરીએ ઝોળી આપણ ભજ ગોપાલમ્,
દાતા દરિયે મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ્.

ગદા ચક્ર ક્યાં કરતા ધારણા ભજ ગોપાલમ,
ઊંધું ઘાલી ઊંધે નારણ ભજ ગોપાલમ્.


0 comments


Leave comment