66 - કોને તરવા છે ભવસાગર / મધુમતી મહેતા


કોને તરવા છે ભવસાગર,
અમે તો જાશું વહેતાં રે;
ઝાકળ ઝંઝા, તેજ, તિમિરને
એમ જ સહેતાં સહેતાં રે.

કોશેટે પુરાઈ ગયા છે
પકડી રેશમતંતુ રે;
ફરક પડે શું એને સઘળા
ભલે ગણે ભૈ જંતુ રે.

આંખ ઊઘડશે પાંખ ઊઘડશે,
કેશવ કેશવ કહેતાં રે;
ઝાંકળ, ઝંઝા, તેજ, તિમિરને
એમ જ સહેતાં સહેતાં રે.

પતંગિયાને હોય ન માળા,
કોયલને ના શાળા રે;
ડૂબકી દે ગંગામાં તોયે,
રહે કાગજી કાળા રે,
નામ ઉછીનાં શાને માટે,
રહેશું મધુમતી મહેતા રે,
ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને
એમ જ સહેતાં સહેતાં રે.


0 comments


Leave comment