56 - દરિયો દરિયો રમવા ગ્યા પણ / મધુમતી મહેતા


દરિયો દરિયો રમવા ગ્યા પણ,
રમત વધી ના આગળ;
બનતાં બનતાં અમે બની ગ્યા
માણભટ્ટની ગાગર.

અપલખણી આળસડીનું થાનક,
રસ્તામાં ખોળી;
મારગ મંજિલ ઐસીતૈસી,
કહી તમાકુ ચોળી,
ફૂંકવા બેઠા ચલમ લૂંટાણા,
સાવ જ અડધે મારગ.
બનતાં બનતાં અમે બની ગ્યા
માણભટ્ટની ગાગર.

ઝીણી નજરે અમે તપાસ્યાં,
ગઢનાં જૂનાં તાળાં;
કાટકિચૂડ દરવાજા પાછળ,
ચીબરી બાંધે માળા;
ઝાંખા ઝબકારા શું,
અઢળક અંધારાની આગળ.
બનતાં બનતાં અમે બની ગ્યા
માણભટ્ટની ગાગર.


0 comments


Leave comment