17 - વીતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું / મધુમતી મહેતા


વીતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું,
તમારી આંખમાં આજેય મારું નામ શોધું છું.

હું મૂર્છિત છું કમળમાં બંધ ભ્રમરોના કથન જેવો,
અને લાંબી પડેલી રાતનો અંજામ શોધું છું.

ના દીધો સાદ ના જોયું જરા પાછળ ફરીને પણ,
હું બાલિશ છું હજુ પણ આજ એનું ગામ શોધું છું.

ન હો આકાર ઇચ્છાનો ન ઘોંઘાટો વિચારોના,
મને ધીરેકથી વહી જાય એવી શામ શોધું છું.

હું સીતા જેમ બેઠી છું દશાનનની હવેલીમાં,
પરીક્ષા અગ્નિમાં ના લે હું એવો રામ શોધું છું.


0 comments


Leave comment