80 - ‘પંખીની સાથ કદી ઊડું હું આભમાં / મધુમતી મહેતા


‘પંખીની સાથ કદી ઊડું હું આભમાં,
એવા મળવાના ક્યાંય મોકા ?’
ઝાડવાએ પાંદડાનો લંબાવી હાથ,
અને પૂછ્યું શરમાઈ મને જોતાં.

ધરતીના ખોળામાં સૂતેલા બીજમાંથી,
છટકું હું લાગ જરા મળતાં;
મમતાથી માળા ઉછેર્યા, ને પંખીડાં,
પાછાં આવ્યાં ના સાંજ ઢળતાં;
સીંદરી બાળીને કોઈ ઉતરાવો આજ,
મારી કૂંપણની આંખના ઝોંકા.
પંખીની સાથ કદી ઊડું.......

વાતો કરું છું ચાંદસૂરજની સાથ,
છતાં પાણીથી જૂનો વહેવાર;
પાણી પછવાડે તો ક્યાંના ક્યાં પહોંચે છે,
મૂળ મારાં છોડી ઘરબાર;
પાણીથી પ્રીત છતાં વહેતા ના આવડ્યાના,
કરવા ભૈ ક્યાં જઈને ધોખા ?
પંખીની સાથ કદી ઊડું......


0 comments


Leave comment