50 - તમને આવું યાદ હરિ ! હું તમને આવું યાદ ! / મધુમતી મહેતા


તમને આવું યાદ હરિ ! હું તમને આવું યાદ !
આવું બહુ જો યાદ કરી તો દઈ દેજોને સાદ,
હરિ ! હું તમને આવું યાદ ?

અમે અગમના પંખી ભજશું ટહુકે ટહુકે તમને,
સૂર અને શબ્દોની ક્યાં છે કોઈ ગતાગમ અમને;
ગમી ગયું કોઈ ગીત બહુ તો દઈ દેજોને દાદ !
હરિ ! હું તમને આવું યાદ ?

એક દિવસ ભાવ્યાં’તાં તમને શબરીજીનાં બોરાં,
અમે બોરડી થઈને તેથી ઊગ્યા આંહીં કથોરા;
બોર બોરમાં છે ખટમીઠ્ઠો મળવાનો આસ્વાદ.
હરિ ! હું તમને આવું યાદ ?

અમે સૂકેલા વાંસ વગડશું એક નજીવી ફૂંકે,
પણ રૂઠયાં તો જઈ બેસશું ગોવર્ધનની ટૂંકે,
અમે ભલે ઝીણેરું ટીપું તમે ભલે વરસાદ.
હરિ હું તમને યાદ આવું ?


0 comments


Leave comment