47 - જંતરમંતર જતિ કરે ને કરે નુસખા લાખ / મધુમતી મહેતા


જંતરમંતર જતિ કરે ને કરે નુસખા લાખ,
તણખા જેવું હોય નહીં તે ક્યાંથી પ્રગટે આગ ?

એની માયા સઘળી તો યે મનની માયા મોટી,
ચકકર ચક્કર ફરવું એમાં ફાળ ભરે તું ખોટી.

જમાઉધારી જાણ બરાબર જણસ મૂક ના રેઢી,
સૌનો થાય હિસાબ, નથી આ શામળશાની પેઢી.

કચકચણી કુંભારણની મટકીમા પ્રગટે શ્યામ,
મીઠ્ઠી મેના ઊડી ગઈ છે રટી રટીને નામ.

ડૂમા, ડૂસકાં, ઝળઝળિયાંનાં તારણ કાઢે કોણ?
કેટકેટલા એરુ અંદર, કેટકેટલા ભોણ !


0 comments


Leave comment