32 - હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે? / મધુમતી મેહતા


હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે?
એ શોધે છે સગપણ અંદર ગાંઠયું ક્યાં છે?

ઝરણે જીવ્યા,નદીયે જીવ્યા,જીવ્યા દરિયે
જળમાં જીવ્યા તોયે જળને જાણ્યું ક્યાં છે?

પરકમ્મા પૃથ્વીની કીધી સાત વખત પણ
રૂંવાથી રૂદિયાનું અંતર કાપ્યું ક્યાં છે?

જીવતરને અંતે આવ્યા છો પાછું દેવા
આપ્યું એનું માપ અમે તો રાખ્યું ક્યાં છે?

હારીને બેસી ગ્યો છેલ્લી પાટલીએ તું
ભાથામાંથી તીર હજી તેં તાણ્યું ક્યાં છે?

વેશ ભલેને આજે પહેર્યો રાજા જેવો
માગણ જેવું મનમાંથી તે કાઢ્યું ક્યાં છે?

શ્રુતિ ને સુરની વાતું તું આજ ભૂલી જા
તારું જંતર જો, ઈ લયમાં આવ્યું ક્યાં છે?

રૂ ના ખેતર વચ્ચે ઊભો ચાડી ખાતો
ધાગા જેવું કાંઈ કદી તેં કાંત્યું ક્યાં છે?

હુંડી લઈને ગામે ગામે ફરતો રહ્યો છો
કામ કદી શામળશા સાથે પાડ્યું ક્યાં છે?

જીવનભર મ્હેતા તો રહ્યાં એવાં ને એવાં
છૂટું કૈં ના મેલ્યું ને કૈં બાંધ્યું ક્યાં છે?


0 comments


Leave comment