8 - ઊંડી ખીણો ,ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે / મધુમતી મહેતા


ઊંડી ખીણો ,ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે,
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં ક્યાં છે સઢ ને ક્યાં બેલીડા?
પથ્થર જેવી જાત લઈને તરવાનું છે રામભરોસે.

જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલે,
પાન બનું કે પીંછુ મારું ખરવાનું છે રામભરોસે.

કાણી કોડી ફાટલ જૂતાં, તરસી આંખો લાંબા રસ્તા,
યાદોનો લઈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.

હું છું સપનું કે જોનારો હું પ્યાદું કે હું રમનારો,
તર્કવિતર્ક બધા છોડી દઈ રમવાનું છે રામભરોસે.


0 comments


Leave comment