12 - શબ્દ એકેએક મંતર થઈ ગયો / મધુમતી મહેતા


શબ્દ એકેએક મંતર થઈ ગયો,
ને સજીવન એક પથ્થર થઈ ગયો.

આગિયાને સૂર્ય સમજીને અરે !
દીપ હોલવવાને તત્પર થઈ ગયો.

થઈ ગયો શોભાનું પૂતળું એ પછી,
કોઈ છત્રીમાંથી છત્તર થઈ ગયો.

જ્યાં ધરા સાથે મિલાવું હાથ ત્યાં,
વૃક્ષ માફક હુંય સધ્ધર થઈ ગયો.

ના રહ્યો ઘરનો રહ્યો ના ઘાટના,
જે જમીનથી વેંત અધ્ધર થઈ ગયો.


0 comments


Leave comment