41 - કારીગરી કરું છું મારા કસબ પ્રમાણે / મધુમતી મહેતા


કારીગરી કરું છું મારા કસબ પ્રમાણે,
સૌ અર્થ તારવે છે એની સમજ પ્રમાણે.

ખેડાઈ જાય ખેડૂત બીજ વાવતા ધરામાં,
મુલવે પ્રયાસ એનો સઘળા ફસલ પમાણે.

વર્ષોની મિત્રતાને ભૂલીને આજ બેઠા,
બાંધીને રાવટીઓ ખુદના ધરમ પ્રમાણે.

જે માછલીને માટે સર્વસ્વ છે એ દરિયો,
લ્યો સાચવે છે એને જાણે ફરજ પ્રમાણે.

મૂંગો બની જુએ છે એ ચંદ્રના ગ્રહણને,
વર્તે સમુદ્ર સિખ્ખે જાણે ગરજ પ્રમાણે.

ગીતો અને ગઝલની બાંધી પરબ ને બેઠા,
જે આવશે એ પીશે ખુદની તરસ પ્રમાણે.

દિલથી બધું કરો પણ એ યાદ રાખવું કે
તોલે છે ત્રાજવે એ સૌને કસર પ્રમાણે.


0 comments


Leave comment