69 - અજવાળાની બીક ઘણી તે આંખ મીંચીને જાગે / મધુમતી મહેતા


અજવાળાની બીક ઘણી તે આંખ મીંચીને જાગે,
છળમાં બે પળ જીવવા મનડું સમણાંઓમાં ભાગે.

છળનો દરિયો ઊંડો એમાં માછલિયુંનાં ટોળાં,
રમતી માછલિયું જોઈને હરખે મનજી ભોળા.

રમત રમાડે રઘુરાયજી દાવ રમે છે સઘળા,
કોઈને આપ્યાં ભગવાં કોઈને આપ્યા રેશમ ડગલા.

ભગવાં હો કે રેશમ, ખાતા ડગલે પગલે ઠેશ,
કોઈનો જામે વેશ તો કોઈની ફરતે જામે મેશ.

અજવાળા-અંધારા છળ-સતના ના મળતા તાળા,
અપલખણા મનજીભાઈ વહેતા જ્યાં જ્યાં દેખે ઢાળા.


0 comments


Leave comment