4 - બગલા જેવું ધ્યાન ધરે છી અટકી અટકી / મધુમતી મહેતા


બગલા જેવું ધ્યાન ધરે છે અટકી અટકી,
મનનો મણકો આજ ફરે છે અટકી અટકી.

રમતાં રમતાં થોભું છું ને નીરખું સઘળે,
જાણે હરણું ઘાસ ચરે છે અટકી અટકી.

ભીની આંખે સાસરિયે જાતી કન્યા સમ,
વૃક્ષો પરથી પાન ખરે છે અટકી અટકી.

બુઢ્ઢી મા તો જૂની વાતો કરતાં કરતાં ,
આજ બની હો એમ કહે છે અટકી અટકી.

આંખો મીંચી ખૂબ પીઉં છું અંધારાંને,
આઘે દીવો સાદ કરે છે અટકી અટકી.

વીંટી તો ખોવાઈ નથી તો એને મળવા,
મહેતા ડગલાં કેમ ભરે છે અટકી અટકી.


0 comments


Leave comment