52 - મને હોળી ખેલાવે રે કાનજી / મધુમતી મહેતા


મને હોળી ખેલાવે રે કાનજી,
કાળા રે કામળા ઉતારીને પચરંગી;
ઓઢણી હું ઓઢું ધૂમધામથી.

અડવા પગે રે હું તો જાતરાયે હાલી,
ને બાચકામાં કોરા બે રોટલા;
ક્યારે પહોંચાશેની લાયમાં મેં તરછોડ્યા,
છાંયડાની હાશ અને ઓટલા;
કૂંપળને કાગળે છાપી સંદેશ મને,
અબધડીયે તેડાવે વ્હાલથી.
મને હોળી ખેલાવે રે કાનજી...

કેવા રે રંગ તમે છાંટ્યા કે આમ,
મારી અંદર ને બ્હાર બધે કાનજી;
પગલામાં, કેડીમાં, ઝાડુમાં, ઝાકળમાં,
સંભળાયે એક જ બસ નામ જી;
ભીતર છવાઈ જાય, લૂંટી લે પાઈ પાઈ,
મોભે ચડાવે પછી માનથી.
મને હોળી ખેલાવે રે કાનજી....


0 comments


Leave comment