76 - થાકીને સૂતેલા સરોવરના ખોળામાં / મધુમતી મહેતા


થાકીને સૂતેલા સરોવરના ખોળામાં,
આકાશે ધૂબકો માર્યો;
એનો ઊડ્યો ના ક્યાંક કોઈ છાંટો.

તોફાની તારલાની ટોળીએ સરોવરમાં,
છબછબિયાં કરવાની લીધી છે હઠ;
ચાંદલિયો કહે છે કે એમાં શું,
સરોવરિયા પાંહે છે આપણો તો ઝાઝેરો વટ;
આભની સમેત બધા સાગમટે ખાબક્યા,
ને કાંઠાને કાંઈ નથી વાંધો.
થાકીને સૂતેલા સરોવરના ખોળામાં
આકાશે ધૂબકો માર્યો.

ઊંઘણશી સરોવરને કરવાને સાબદું,
તમરાંઓ સીટિયું વગાડે;
સૌ સૌનાં ફાનસ લઈ આગિયાનાં ઝુંડ,
જાણે તમ્માશો હોય એમ આવે;
સૂરજમુખીએ સ્હેજ ડારો દીધો ને પછી,
તારલા કહે કે ભાઈ ભાગો.
થાકીને સૂતેલા સરોવરના ખોળામાં
આકાશે ધૂબકો માર્યો.


0 comments


Leave comment